વાગરા: સરકારી જમીન પર ગેરકાયદેસર રસ્તો બનાવવાના બહાને ખનીજની લૂંટ, સરપંચ અને તલાટી સામે ફોજદારી અને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે મામલો ગરમાયો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના વેંગણી ગામે વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ સર્જાયો છે. ગ્રામ પંચાયત જેનું કામ સરકારી મિલકતનું રક્ષણ કરવાનું છે, તે જ પંચાયતના જવાબદારોએ એક ખાનગી કંપની (G.R. Engineering Pvt. Ltd.) સાથે સાંઠગાંઠ કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. જાગૃત નાગરિક ઘનશ્યામસિંહ રાજ અને ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને દહેજ પોલીસ સ્ટેશનમાં કરાયેલી લેખિત ફરિયાદો મુજબ પંચાયતે પોતાની સત્તા બહાર જઈને મંજૂરી વિના સરકારી જમીન પર રસ્તો બનાવવાની ગેરકાયદે મંજૂરી આપી દીધી હતી.

જેની આડમાં મોટાપાયે માટીની ચોરી કરવામાં આવી છે. આ કૌભાંડની શરૂઆત પંચાયતના એક વિવાદાસ્પદ ઠરાવથી થઈ હતી. વેંગણી ગ્રામ પંચાયતે તા. ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ઠરાવ નં. ૪(૨) પસાર કરી જી.આર. એન્જિનિયરિંગ કંપનીને સરકારી સર્વે નં. ૧૨૬, ૨૪૨ અને ૨૪૪ ઉપર રસ્તો બનાવવાની શરતી મંજૂરી આપી હતી. કાયદા મુજબ સરકારી જમીન પર કોઈપણ પ્રવૃત્તિ માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં પંચાયત સત્તાધીશોએ કંપનીને ખુલ્લો દોર આપી દીધો હતો. આ ઠરાવના આધારે કંપનીએ કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી કે રોયલ્ટી પાસ વિના સરકારી જમીન ખોદી નાખી અને હજારો ટન માટી પોતાની સાઈટ પર ખડકી દીધી હતી.

ગ્રામજનોની ફરિયાદ બાદ ખાણ અને ખનીજ વિભાગે ૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ સ્થળ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે કંપનીએ સરકારી સર્વે નંબરો તેમજ ખાનગી સર્વે નં. ૧૩૩ માંથી કુલ ૩૬૪૭ મેટ્રિક ટન સાદી માટી અને ૪૨ મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજનું બિનઅધિકૃત ખનન અને સંગ્રહ કર્યું હતું. સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી કંપનીમાં ઠાલવવામાં આવી હતી. આ ગેરકાયદે કૃત્ય બદલ ખાણ-ખનીજ વિભાગે કંપનીને દંડ અને પર્યાવરણીય નુકસાની વળતર પેટે કુલ રૂપિયા ૧૭ લાખથી વધુની રકમ ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે, જે સાબિત કરે છે કે સ્થળ પર સરકારી ખનીજની ચોરી થઈ છે. અરજદારોએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર ખનીજ ચોરી નથી, પરંતુ પૂર્વયોજિત કાવતરું છે. પંચાયતને જાણ હોવા છતાં તેઓએ કામ અટકાવ્યું ન હતું અને આંખ આડા કાન કર્યા હતા. અરજદારોએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ અને ૫૯ હેઠળ ભ્રષ્ટાચાર, ફરજમાં બેદરકારી અને હોદ્દાના દુરુપયોગ બદલ સરપંચ અને તલાટીને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા અને તેમની સામે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવા માંગ કરી છે. આ પ્રકરણમાં મોટા પાયે નાણાકીય લેવડદેવડ થઈ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે જિલ્લા તંત્ર આ ગંભીર કૌભાંડમાં સંડોવાયેલા ખનીજ માફિયાઓ અને ભ્રષ્ટ પદાધિકારીઓ સામે કાયદાનો કોરડો ઝીંકે છે કે પછી રાજકીય દબાણમાં આ ફાઈલ પણ ધૂળ ખાતી થઈ જશે.?

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા – દહેજ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!