ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની ક્ષેત્રિય તપાસટીમ તેમજ તાલુકા લેવલે પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળ મામલતદારશ્રી અને તેમની ટીમો દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખનીજ અને પરિવહન અને સંગ્રહ નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.

જે અનુસંધાને આજરોજ વાગરા તાલુકાના કડોદરા ગામના લોકોએ દહેજ સીમ વિસ્તારના વજાપુરા ખાતે માટી ખોદકામ અંગેની ટેલીફોનિક જાણ વાગરા મામલતદારને કરી હતી. ગામલોકો દ્નારા ટેલિફોનિક જાણ કરવામાં આવતા તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્નારા કડોદરા સીમ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન સાદી માટી ભરેલી ૪ જેટલી ટ્રકો અને ૩ જેટલા એક્વેટર મશીન વડે માટી ખોદકામ કરી ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્યક ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં મામલતદારે સિઝર હુકમ કરી ટ્રક નં. GJ-16-AY-7817, GJ-16-AW-0846, GJ-16-AW-6143, GJ-16-7273, સાદી માટી ખોદકામ માટે વપરાતા ત્રણ જેટલા એકસવેટર મશીન સહિત ૧ કરોડ ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી.

તદુપરાંત વાગરા તાલુકાના ભેરસમ-સાયખા રોડ ઉપર તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્નારા આજરોજ સ્થળ તપાસ કરવામા આવતા સાદી માટી ભરેલા બે ટ્રકો દ્વારા ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્યક ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ધ્યાને આવતા ટ્રક GJ-10-TX 7101, GJ-16-AU-9918 ને જપ્ત કરી રૂા. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા સ્થળ પરથી બે ટ્રકોનો કબ્જો પોલીસ ઈન્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

અને ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અનુક્રમે વાગરા તાલુકાના કડોદરા ગામના દહેજ સીમ વિસ્તારના વજાપુરા ખાતેથી ૧ કરોડ ૭૦ લાખનો મુદ્દામાલ અને ભેરસમ- સાયખા રોડ ઉપરથી રૂા. ૪૦ લાખનો મુદ્દામાલ મળી કુલ રૂા. ૨ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા વહીવટીતંત્રની ટીમ વાગરાએ ભૂમાફિયા ઉપર કાર્યવાહી કરી હતી.
સદ્દામ બી. ભટ્ટી









