વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંડવા સ્થિત બાવા પ્યારે દરગાહ નજીક આવેલ નર્મદા નદીના પટ પર નહાવા જતા પ્રવાસીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની મોટાપાયે બુમો ઉઠવા પામી છે.શ્રદ્ધાળુઓની મજબૂરીનો લાભ ઉઠાવી તેઓની પાસેથી દરેક વસ્તુઓની ઊંચી કિંમત વસુલાત કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી ફરિયાદો સપાટી પર આવી છે.પાણી ની બોટલ,ચ્હા, સિગારેટ,પડીકા તેમજ અન્ય અનેક વસ્તુઓની છાપેલી કિંમત કરતા અનેકગણી વધુ કિંમત વસુલાત કરી પ્રવાસીઓ ને રીતસરના લૂંટવામાં આવી રહયા છે..શિનોર તાલુકાના મંડવા ખાતે બાવા પ્યારે દરગાહ નજીક નર્મદા નદીના પટ પર બહારથી આવતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી અને ઉઘાડી લૂંટ થવી તે દુઃખદ બાબત છે.

ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આવા લેભાગુ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ લોકોમાંથી બુલંદ થવા પામી છે.ઉલ્લેખનીય છે કે જ્યારે દૂર દુરથી પ્રવાસીઓ પવિત્ર કે ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા હોય, ત્યારે આવી ઘટનાઓથી આખા વિસ્તારની અને પ્રવાસનની છબી ખરડાય છે.આ બાબતે દરગાહના વહીવતદારો અને શિનોર મામલતદાર ઉપરાંત વનવિભાગ આ બાબતે ધ્યાન ધરે તે જરૂરી બન્યું છે.કેટલાક પ્રવાસીઓ દ્વારા વડોદરા જિલ્લા કન્ઝ્યુમર ફોરમ તેમજ કલેકટરને લેખિત ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. જો કોઈ દુકાનદાર એમ.આર.પી. (MRP) કરતાં વધુ કિંમત વસૂલતો હોય, તો તેની સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ થઈ શકે છે.નોંધપાત્ર છે કે પ્રવાસીઓએ પણ કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં તેની છાપેલી કિંમત (MRP) અચૂક તપાસવી જોઈએ અને જો કોઈ વધુ પૈસા માંગે તો ખરીદી કરવાનો આગ્રહ ટાળવો જોઈએ.સાથે સંબંધિત તંત્રને ફરિયાદ કરવી જોઈએ.સ્થાનિક પ્રશાસને પ્રવાસીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવતા તત્વો સામે કડક આકરા પગલાં ભરીને ત્યાં ‘પ્રાઇસ લિસ્ટ’ (ભાવ પત્રક) ફરજિયાત બનાવવું જોઈએ જેથી પ્રવાસીઓ છેતરાય નહીં.તેવી માંગ જાગૃત નાગરિકોમાં થી ઉઠવા પામી છે.

વાહનોના પાર્કિંગ ભાડા ની વસુલાત સામે શ્રદ્ધાળુઓ મા ભારે રોષ
બાવા પ્યારે ની દરગાહ પર દૂર દૂર થી અનેક શ્રદ્ધાળુઓ પધારતા હોય છે.જ્યા બાવા પ્યારે દરગાહ પર પાર્કિંગ ભાડાની વસુલાત સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સ્થળો પર આ પ્રકારે થતી વસુલાતને કારણે અવાર-નવાર વિવાદો સર્જાતા હોય છે, કારણ કે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માને છે કે આવા પવિત્ર સ્થળોએ પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક હોવી જોઈએ.જો કે દરગાહ નજીકના ખેડૂતો પોતાના ખેતરમાં વાહનો પાર્કિંગ કરાવી મો માગ્યું આડેધડ ભાડું વસુલાત કરતા હોવાની પણ ફરિયાદો વાહનચાલકો કરી રહ્યા છે.

ફાઇલ ફોટો
તેવા ટાણે દરગાહના ટ્રસ્ટીઓએ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરી શ્રદ્ધાળુઓ ને થતી કનડગત દૂર કરવા અને તેઓની સવલતોમાં સુધારો કરવા પર ભાર મુકવાની લાગણી શ્રાધ્ધાળુઓ એ વ્યક્ત કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દૈનિક હજારો ની સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે સૌચાલય કે પ્રાથમિક સુવિધાઓ નો પણ તદ્દન અભાવ હોવાથી લોકો ભારે નારાજગી વ્યક્ત કરી રહયા છે.








