ભરૂચ જિલ્લામાં સાંજના સમયે એકાએક જોરદાર પવન ફૂંકાવા સાથે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.આમોદ – ભરૂચ માર્ગ ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર આવરોધાયો હતો.જયારે જિલ્લામાં કેટલીક જગ્યાએ વિજપોલ પડવાની ઘટના સામે આવતા ડી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ તાબડતોબ કામે લાગી ગયા હતા.ભરૂચ જિલ્લામાં સાંજના શુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો.પુર ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ એન્ટ્રી લેતા હવામાન ઠંડુ થઈ જવા પામ્યુ હતુ.

આમોદ ભરૂચ માર્ગ પર તેજ પવન ફૂંકાતા ઠેરઠેર જગ્યા એ વૃક્ષો માર્ગ પર પડતા રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.જેને પગલે વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી હતી.પવન ની તીવ્ર ગતિ ને કારણે વાહન ચાલકો ના જીવ પડીકે બંધાઈ ગયા હતા.માર્ગ પર પડેલા ઝાડ ને બાજુ પર કરી વાહન ચાલકોએ રસ્તો સાફ કરી પોતાની સફર આસાન કરી હતી.જ્યારે જિલ્લા ના કેટલાક માર્ગ પર વૃક્ષો પડતા માર્ગ બંધ થઇ ગયા હતા.

જોરદાર પવન ને લઈ અનેક ગામમાં ઘરો ના પતરા ઉડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ના કોલવણા ગામે ત્રણ વીજ પોલ ધ્વસ્ત થવા પામ્યા હતા.વીજળી ના ચમકારા વચ્ચે વરસાદ પડતા વાતવરણ ઠંડુંગાર બનતા લોકોને ગરમીથી આંશિક છુટકારો મળ્યો હતો.ભારે પવન ને કારણે વીજળી ડૂલ થતા અંધારપટ સર્જાયો હતો.આમોદ અને વાગરા તાલુકામાં ૫૦ થી વધુ વિજપોલ ધ્વસ્ત થતા ડી.જી.વી.સી.એલ નું તંત્ર કામે લાગ્યુ હતુ. આ લખાઈ રહ્યું છે ત્યારે કેટલું નુકસાન થયું તેનું અંદાજ આંકી શકાયું નથી.
સૈયદ અમજદ (બાપુ)









