વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોન માં આવેલ KAY PIGMENTS PVT. LTD. કંપનીની આસપાસના વિસ્તારમાં અચાનક કલરયુક્ત પ્રવાહીના ખાડાઓ ભરેલ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી પ્રસરી જવા પામી છે. ખુલ્લા વિસ્તારમાં છોડાયેલું આ રંગીન પાણી સામાન્ય છે કે તેમાં કોઈ કેમિકલ તત્વો ભળેલા છે. તેને લઈને શંકા-કુશંકા પ્રબળ બની રહી છે. પરંતુ સદર ઘટનાએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થળ પર જોવા મળેલી સ્થિતિ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી હોવાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ રંગીન પ્રવાહીનો સ્ત્રોત નજીકમા આવેલી ઔદ્યોગિક એકમ હોઈ શકે છે. જોકે, કોઈપણ કંપનીને જવાબદાર ઠેરવતા પહેલાં વૈજ્ઞાનિક તપાસ અને સત્તાવાર અહેવાલ આવવો જરૂરી છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

અને રંગીન પ્રવાહીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ પ્રવાહી સામાન્ય પાણી છે કે, તેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે તેવા રાસાયણિક તત્ત્વો ભળેલા છે.જો તપાસમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડાયું હોવાનું સામે આવશે તો તે માત્ર પર્યાવરણના નિયમોનો ભંગ જ નહીં પરંતુ આસપાસની જમીન, ભૂગર્ભ જળ અને જીવસૃષ્ટિ માટે પણ ગંભીર ખતરો સાબિત થઈ શકે છે.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, આવા બનાવોમાં માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ ન થવી જોઈએ,પરંતુ જવાબદારો સામે કડક દંડાત્મક પગલાં ભરવા જોઈએ.સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગે માંગ કરી છે કે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સેમ્પલ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને જો કોઈ ઔદ્યોગિક એકમની બેદરકારી સામે આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.

પર્યાવરણ સાથે ચેડાં કરનારાઓ સામે કડક વલણ અપનાવવું સમયની માંગ બની ગઈ છે. હાલ સમગ્ર મામલે GPCB ના તપાસ અહેવાલ પર સૌની નજર મંડાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ રંગીન પ્રવાહી પાછળનું સાચું કારણ શું બહાર આવે છે. અને જવાબદારો સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








