વાગરાના વિલાયતની ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય જળચર જીવોના મોત નિપજતા પર્યાવરણ વાદીઓમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો છે.સાથે જ સ્થાનિકો દ્વારા પણ પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક પગલા લેવા માંગ કરવામાં આવી છે.
વાગરા તાલુકાના વિલાયત ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હજારો માછલાઓના મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે.

ખાડીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મૃત માછલાઓ તરતા જોવા મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવી શકાય કે માછલીઓના મોત ઝેરી અને પ્રદૂષિત પાણી ને કારણે થયાની આશંકા દ્રઢ બની રહી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, નજીકના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી etp મા ટ્રીટમેન્ટ કર્યા સિવાય સીધું જ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર જળચર પ્રાણીઓના મોત થી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ભૂખી ખાડીને અડીને આવેલ એક મહાકાય કંપની તરફથી પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ બાબતે સત્તાવાર તપાસ હાથ ધરી પર્યાવરણ ને નુકશાન પહોંચાડનાર એકમો વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરાય તેવી રાવ સ્થાનિકો દ્વારા કરાઈ છે.

ચિંતાજનક બાબત એ છે કે મૃત માછલાઓને ઘણા લોકો ખાવા અને બજારમાં વેચવા માટે એકત્ર કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો આ માછલાઓ ખરેખર કેમિકલ પ્રદૂષણના કારણે મૃત્યુ પામ્યા હોય તો તેનું સેવન માનવ આરોગ્ય માટે અત્યંત જોખમકારક સાબિત થઈ શકે તેમ છે. ઉપરાંત ખાડીનું પાણી પશુઓ માટે પણ ઘાતક બની શકે છે.પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કેટલાક કેમિકલ માફિયાઓ અને બેદરકાર ઉદ્યોગો નફાખોરીનીલાલચમાં પર્યાવરણને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યા છે. પરિણામે જળચર જીવસૃષ્ટિનો વિનાશ થઈ રહ્યો છે અને આસપાસના ગામોના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે.

સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા પ્રશાસન અને સંબંધિત તંત્રને તાત્કાલિક પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરાવવા, જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી રહયા છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભૂખી ખાડીનું સમગ્ર પર્યાવરણ ગંભીર સંકટમાં મુકાઈ શકે તેમ છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








