વાગરા તાલુકાના લખીગામ ના લેન્ડલુઝર્સ ને નોકરીએ ન રાખતા GCPTCL કંપની ના ગેટ પર આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારતા દહેજ પંથકમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.લખીગામના ગોહિલ ઈશ્વરભાઈ નરસિંહભાઈ ની સર્વે નંબર ૬૯૩ વાળી જમીન જીઆઈડીસી દ્વારા ૧૯૯૪ માં સંપાદિત કરવામાં આવી હતી . જી આઈ ડી સી એ સર્વે નંબર દીઠ લેન્ડ લુઝર ના ફોર્મ આપવામાં આવ્યા હતા.લેન્ડ લૂઝર ના ફોર્મમા GCPTCL કંપનીનું નામ દર્શાવ્યું હતું. જેથી જમીન ગુમાવનાર ઇશ્વર ગોહિલે GCPTCL કંપનીમાં લેન્ડ લૂઝરનું ફોર્મ પોતાના પુત્ર ના નામે ભર્યું હતું.સાથે જરૂરી બધા જ પ્રમાણિત દસ્તાવેજો સાથે ૩ વર્ષ અગાઉ કંપની ને આપ્યુ હતું. વધુમાં અરજીમાં જણાવાયું છે કે છેલ્લા ૩ વર્ષ થી તેઓના પુત્ર ને લેન્ડ લૂઝર તરીકે કાયમી નોકરી પર લગાવવા માટે ઈશ્વર ગોહિલ ધક્કા ખાઇ રહ્યા હતા.તેઓ છેલ્લા 3 વર્ષ ના સમય ગાળા દરમિયાન ગામના સરપંચ તેમજ આગેવાનોને સાથે રાખી વારંવાર જીસીપીટીસીએલ કંપનીના મેનેજમેંટને તેમના પુત્રને નોકરી પર લેવા માટે સતત મીટિંગ અને રજૂઆતો કરતા હતા.તેમ છતા કંપનીના મેનેજમેંટ દ્વારા ઈશ્વરભાઈ ના પુત્ર ને નોકરી પર લેવામાં આવ્યો ન હતો.

કંપની દ્વારા દર વખતે બહાના બતાવી ને છટકી જવાનું કામ કરેલ હોવાના આક્ષેપો ઈશ્વરભાઈ દ્વારા કરાયા છે. કંપની એ તેઓને છેલ્લા ૩ વર્ષ થી ધક્કા ખવડાવી માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા હોવાના આરોપો પણ લગાવ્યા છે. જીસીપીટીસીએલ કંપની એ છેલ્લા ૩ વર્ષ થી માનસિક શોષણ કરતા કંટાળી ગયેલા પિતા ઈશ્વર ગોહિલે પુત્ર ને નોકરી રાખવા બાબતે GCPTCL કંપનીના અધિકારી જીતેન્દ્ર પરમાર ને રૂબરૂ મળીને તા- ૧ ડિસેમ્બર સુધી તેમના પુત્ર ને કાયમી ધોરણે નોકરી આપવા માટે જણાવાયુ હતું.સાથે જ પુત્ર ને તા.૧ ડિસેમ્બરના રોજ નોકરી આપવામાં નહીં આવે તો ગોહિલ ઈશ્વરભાઈ જીસીપીટીસીએલ કંપનીના મુખ્ય પ્રવેશ દ્વાર સામે આત્મવિલોપન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી જીસીપીટીસીએલ કંપની દહેજના મેનેજમેંટની રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા દહેજ ઉદ્યોગ જગત માં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.લેન્ડ લુઝર્સ ને નોકરી બાબતે થઇ રહેલા અન્યાય સંદર્ભે ઈશ્વર ગોહિલે લેખિત માં ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી,ભરૂચ કલેક્ટર ,વાગરા મામલતદાર,ભરૂચ જિલ્લા પોલીસ વડા,ઉપરાંત જી સી પી ટી સી એલ,દહેજ ના યુનિટ હેડ,અને વાગરાના ધારા સભ્ય તથા દહેજ મરીન પોલિસ સ્ટેશન ના પી આઈ ને રજુઆત કરી છે.ઉલ્લેખનીય છે કે ગતરોજ ઈશ્વર ગોહિલે ગામના આગેવાનો ની સાથે કંપની ગેટ પર હોબાળો મચાવ્યો હતો.અને કંપનીમાં પ્રવેશતા વાહનો ને પણ અટકાવતા ક્ષણિક મામલો ગરમાયો હતો.

કંપનીએ આપેલ એપોઇન્ટમેન્ટ લેટરમા પગાર નો ઉલ્લેખ ન હોવાથી પરત કરાયો :: ઈશ્વર ગોહિલ (લેન્ડ લુઝર)
સમગ્ર પ્રકરણ બાબતે લેન્ડ લુઝર્સ ઈશ્વર ભાઈ ગોહિલ નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે કંપની દ્વારા એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે પરંતુ એમાં પગાર નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.જેથી અમોએ કંપની ના અધિકારી જીતેન્દ્ર પરમાર ને પરત કરી દીધો છે.હજી સુધી કંપની સાથે અમારે કોઈ સમાધાન થયેલ નથી.આજે હું ફરી થી કંપની પર જવાનો છું તેમ ઈશ્વર ગોહિલે જણાવ્યું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









