ઉનાળાની કાળઝાળ ગરમી ની ઋતુમાં હીટવેવ ના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતાઓ વધી જવા પામી છે. જાહેર જનતા ના હિતાર્થે સન સ્ટ્રોક (લુ) થી બચવા અંગે નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.ઉનાળાની ઋતુ દરમિયાન હિટ વેવની સંભાવનાઓ ને જોતાં હિટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જે અનુસાર ખાસ કરીને બપોરના ૨ થી ૪ કલાક સુધી બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં વારંવાર પાણી, લીંબુ શરબત, છાસ તેમજ ઓ.આર.એસ. લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા સૂચન કરાયું છે. સાથે જ તરબુચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી જેવા મોસમી ફળો અને શાકભાજી વધુ ને વધુ આરોગવા, જો બપોર ના સમયે ઘર ની બહાર નીકળવાનું થાય તો શરીર અને માથું ઢાંકીને રાખવા, મહત્તમ શરીર ઢંકાય તેવા વજનમાં હલકા સુતરાઉ કાપડના હળવા રંગના વસ્ત્રો પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવા અનુરોધ કરાયો છે.આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશ થી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવા અને ખુલ્લા પગે બહાર ન નીકળવું.રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચવા ટકોર કરવામાં આવી છે.

હવાની અવર જવર વાળી સારી, વેન્ટીલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવા, ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખોલી નાખવી.દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવા નો પ્રયાસ કરવો. શરીર ને ઠંડુ રાખવા માટે પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરવો. આઉટડોર એક્ટીવિટીને દિવસના ઠંડા પહોરમાં કરવાનું ટાઇમ ટેબલ બનાવવું.નવજાત શિશુઓ તથા નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, શારીરિક અથવા માનસિક બીમાર વ્યક્તિઓ નું વિશેષ રૂપે ધ્યાન રાખવું. રસોઈ કરતી વખતે હવાની પર્યાપ્ત અવર જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા, આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણા ટાળવા નશયત કરાઈ છે.કામના સ્થળ પર ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. સખત પરિશ્રમ વાળું કામ કરવાનું ટાળવુ, અથવા બંધ રાખવુ અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો, ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું. પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું.

બાળકો અને પાળેલા પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં એકલા છોડવા નહિ.ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું. ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર કે ૧૦૮ સેવાનો સંપર્ક સાધવો જોઈએ. તેમ નિવાસી અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સૈયદ અમજદ (બાપુ)









