વાગરા પંથકમાં જાણે કાયદાનો ખોફ ઓસરી ગયો હોય તેમ ખનીજ માફિયાઓએ ફરી એકવાર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. અગાઉના કડક મિજાજના મામલતદાર મીનાબેન પટેલના કાર્યકાળ દરમિયાન જે માફિયાઓ ફફડાટના માર્યા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, તેઓ તેમની બદલી થતા જ ફરી મેદાનમાં આવ્યા છે. હાલ વાગરાના અંતરિયાળ ગામોથી લઈને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર ખનન અને વહનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેણે સ્થાનિક વહીવટી તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાગરાથી સારણ, સાયખા, સુતરેલ અને લીમડી જેવા વિસ્તારોમાં માટી ઉલેચવાની પ્રવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. ખાસ કરીને પખાજણ-લીમડી માર્ગ પર ખનીજ ભરેલા હાઈવા ડમ્પરો માટેલા સાંઢની જેમ બેફામ ગતિએ દોડી રહ્યા છે.

નવાઈની વાત એ છે કે જે માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તે માર્ગ આ ભારેખમ વાહનોના કારણે બિસ્માર થવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓને કારણે બાઈક સવારોએ જીવના જોખમે વાહનો ઉભા રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું આ માફિયાઓને કોઈનો ડર નથી? માત્ર માટી જ નહીં, પણ વાગરા-દેરોલ માર્ગ પરથી પસાર થતા રેતીના ડમ્પરો પણ જોખમ વધારી રહ્યા છે. નિયમોને નેવે મૂકીને ભીની રેતીનું વહન કરવામાં આવે છે, જેનાથી માર્ગો પર પાણી ઢોળાય છે અને રસ્તાઓ લપસણા બની રહ્યા છે, જે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે.

સાયખા GIDC અને આસપાસના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ચાલતા કન્સ્ટ્રક્શનના નામે પરવાનગી વગર ધરતીનું સીનું ચીરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં લેડી મામલતદાર મીનાબેન પટેલે દરોડા પાડીને જે રીતે માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું હતું, તે જોતા સ્પષ્ટ થાય છે કે જો તંત્ર પાસે પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો આ દૂષણ ડામી શકાય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા લાગે છે કે તંત્રએ મૌન સેવીને માફિયાઓને મોકળું મેદાન પૂરું પાડ્યું છે. લોકચર્ચા મુજબ, આ ખનીજ ચોરી પાછળ કેટલાક રાજકીય વગ ધરાવતા મોટા માથા અને બે નંબરીયા તત્વોનો હાથ હોવાથી સ્થાનિક તંત્ર કાર્યવાહી કરતા અચકાઈ રહ્યું છે.

રાત્રિના સમયે જો આકસ્મિક તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ અને મોટું નેટવર્ક ઝડપાઈ શકે તેમ છે. જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે, શું વાગરાની જનતાને ધૂળ અને અકસ્માતોના ભય વચ્ચે જ જીવવું પડશે? શું તંત્ર આ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરશે કે પછી હપ્તા સંસ્કૃતિ તળે જનતાના હિતોનું બલિદાન અપાતું રહેશે?
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા








