વાગરા તાલુકા પંચાયતની ૧૮ માંથી ૧૫ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યુ,જિલ્લા પંચાયતની ત્રણેવ બેઠકો પર કોંગ્રેસની ભૂંડી હાર..!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા તેમજ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તા પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ૧૫ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ તાલુકા પંચાયતની માત્ર ૩ બેઠકો પર જ વિજય મેળવવામાં સફળ થઈ હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.વાગરા તાલુકા પંચાયતની ચાંચવેલ બેઠક પર કોંગ્રેસના ગણપતભાઇ ભીખાભાઇ રાઠોડ ૧૬૬૦ મતો સાથે વિજેતા થયા હતા. જ્યારે દહેજમાં ભાજપના વર્ષાબેન જયેશભાઇ આહિર ૬૩૭ મતો મેળવી વિજયી બન્યા છે, ગંધાર બેઠક પર ભાજપના નાગજીભાઈ શનુભાઈ ગોહિલે ૨૦૮૨ મતો મેળવીને ભાજપનો ગઢ સાચવી રાખ્યો હતો. તો કેશવાણ બેઠક ભાજપના કપીલાબેન અરવિંદભાઈ વસાવા ૨૩૦૮ મતો સાથે જંગી વિજય નોંધાવ્યો હતો.

લખીગામ સીટ પર ભાજપના કાંતિભાઇ મંગળભાઇ રાઠોડ ૧૭૨૩ મતો મેળવી વિજેતા જાહેર થયા છે, પહાજ બેઠક ભાજપના વિકુંજબેન જીતેન્દ્રસિંહ સિંઘાએ ૨૩૩૫ મતો સાથે અંકે કરી હતી. વાગરા-૧ માં ભાજપના રાજેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રાઠોડે ૨૮૧૧ મતો મેળવી વિરોધીઓને પરાજય આપ્યો હતો, સાથે જ વિલાયત સીટ ભાજપના ઉમેદવાર રાજુભાઇ પટેલે ૨૦૨૬ મતો સાથે કબ્જે કરી હતી. વાગરા તાલુકા પંચાયતની સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, વાગરા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર શાહીનબાનું મુસ્તાક રાજ ૧૫૦૦થી વધુ મતોની સરસાઈથી વિજેતા બન્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે વાગરા જિલ્લા પંચાયતની બેઠક પર ઐતિહાસિક જીત મેળવી હતી.વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ક્રિપાલ સિંહ અજીતસિંહ યાદવે જીત નોંધાવી છે. તો બીજી તરફ દહેજ બેઠક પર ભાજપના કુસુમબેન રણજિતભાઈ ગોહિલે ૫૫૦૦થી વધુ મતોની પ્રચંડ બહુમતીથી ભવ્ય જીત હાંસલ કરી હતી.વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિજય સરઘસો નીકળ્યા નીકળ્યાં હતા.

વાગરા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ભાજપ દ્વારા તાલુકા પંચાયતની ૧૮માંથી ૧૫ બેઠકો અને જિલ્લા પંચાયતની ત્રણેય બેઠકો પર કબજો જમાવી દેતા વાગરા ખાતે ભવ્ય વિજય સરઘસનું યોજવામાં આવ્યું હતું. વિજેતા ઉમેદવારોનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે, કે વાગરાની શ્રીમતી એમ.એમ.એમ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશો હોવા છતાં, તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ માટે બેસવાની વ્યવસ્થા, કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ધરાવતો મીડિયા કક્ષ બનાવવામાં આવ્યો ન હોતો. કાળઝાળ ગરમી વચ્ચે પત્રકારોને ઉભા રહીને કવરેજ કરવાની ફરજ પડી હતી. જ્યારે આ બાબતે રિટર્નિંગ ઓફિસર પ્રશાંત ગામીતનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જગ્યાનો અભાવ હોવાનું પાયાવિહીન બહાનું આગળ ધરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. પત્રકારોએ આ ઘટનાને માહિતીના અધિકાર પર તરાપ અને લોકશાહી પ્રણાલીની પારદર્શિતા સામે સવાલ ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે, ત્યારે બીજી તરફ તંત્રના આ ઓરમાયા વર્તને વહીવટી સજ્જતાના પોકળ દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!