ભરૂચની જન શિક્ષણ સંસ્સ્થા ખાતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.જેમાં નારી શક્તિએ ૧૦૦% મતદાન કરવાના શપથ લીધા હતા.ભરૂચ જિલ્લામાં કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અગ્રેસર એવી સંસ્થા ‘જન શિક્ષણ સંસ્થાન’દ્વારા સંસ્થાના નિયામક ઝયનુલ સૈયદના અધ્યક્ષ સ્થાને એક વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોકલેટ મેકિંગ વર્કશોપની સાથે સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નારી શક્તિને આર્થિક સ્વાવલંબનની સાથે સામાજિક જવાબદારીનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તબક્કે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નિયામક ઝયનુલ સૈયદે તાલીમાર્થી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ સામાજિક અને લોકશાહીની જવાબદારીઓમાં પણ અગ્રેસર રહે તે સમયની માંગ છે. સંસ્થા દ્વારા મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે લોકશાહીના મૂલ્યો સમજાવતું આ વિશેષ સત્ર યોજાયું હતું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સ્વિપ નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું આર્થિક યોગદાન જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વનું લોકશાહીના નિર્માણમાં તેમનું મતદાન છે.” તેમણે મહિલાઓને કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર નૈતિકતાથી મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન શપથ વિધિમાં સ્વિપ નોડલ અધિકારી દ્વારા તમામ મહિલા તાલીમાર્થીઓ, સામાજિક અગ્રણીઓ અને JSS ના સભ્યોને ૧૦૦% મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહિલાઓએ એકસૂરે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અને પોતાના પરિવાર પાસે પણ મતદાન કરાવવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિને અંતે હેતલબેન પટેલે ઝયનુલ સૈયદ અને વહીવટી અધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંસ્થા બહેનોની રાજકીય અને સામાજિક જાગૃતિ માટે કટિબદ્ધ છે.

અંકલેશ્વરની શાહીનપાર્ક સોસાયટી ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ
અંકલેશ્વરની શાહીનપાર્ક સોસાયટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર તથા આમોદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. તેમાં મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરા સ્થિત શાહીનપાર્ક સોસાયટી ખાતે રહીશો સાથે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્વિપ નોડલ અધિકારીએ સોસાયટીના રહીશોને મતદાન પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીના મજબૂતીકરણ માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. તેમણે ઉપસ્થિત તમામ મતદારોને ૨૬ એપ્રિલના રોજ પરિવાર સાથે મતદાન કરવા અને સોસાયટીના તમામ નોંધાયેલા મતદારો આ પ્રક્રિયામાં જોડાય તે માટે વહીવટી તંત્ર વતી નમ્ર અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે સોસાયટીના રહીશોએ રાષ્ટ્રના હિતમાં અને લોકશાહીની ગરિમા જાળવવા માટે કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટેની ‘મતદાન પ્રતિજ્ઞા’ લીધી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









