વાગરા પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. ગોહિલે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યાના પ્રથમ તબક્કે જ તેમણે પ્રજાભિમુખ અભિગમ અપનાવી, વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી માહિતગાર થવાના ઉમદા હેતુ સાથે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વાગરા પંથકના અંદાજે 35થી વધુ ગામોના સરપંચો, સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય વધારવાનો તેમજ નવા અધિકારી તરીકે વિસ્તારની સંવેદનશીલતા અને પ્રશ્નોથી વાકેફ થવાનો હતો. પી.આઈ. ગોહિલે તમામ આગેવાનો સાથે સીધો સંવાદ સાધીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો.

બેઠક દરમિયાન પી.આઈ. ગોહિલે ઉપસ્થિત તમામ સરપંચો અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવી એ પોલીસ અને જનતાની સંયુક્ત જવાબદારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. અને ખાસ કરીને GIDC વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને શ્રમિકોની મોટી અવરજવર રહેતી હોય, ત્યાં બનતી કોઈપણ હિલચાલ કે ઘટના અંગે ત્વરિત ધ્યાન દોરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. આ તકે વિવિધ ગામના સરપંચોએ પણ પોતપોતાના વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અને સુરક્ષા અંગેની બાબતો રજૂ કરી હતી. પી.આઈ. ગોહિલે તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આમ, નવા પોલીસ ઇન્સ્પેકટરના આગમન સાથે જ વાગરા પોલીસ સ્ટેશનમાં જનતા અને ખાખી વચ્ચે મજબૂત કડી સ્થાપિત કરવાના પ્રયાસ થયા છે, જેની સ્થાનિકોમાં સરાહના થઈ રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









