આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો જંગ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધનો લોકજવાબ બની ગઈ છે. અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે તારી સત્તા ને મારી સત્તાની સમજૂતીભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરીને પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદમાં જનતા પક્ષ નહીં પણ વિકલ્પ શોધી રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ સ્થાપિત હિતો પર સીધા પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તામાં હોય ત્યારે એકબીજાના મામા-ફોઈ કે માસીના દીકરા બનીને રહે છે. અને પડદા પાછળની આ સાંઠગાંઠમાં આમોદનો સામાન્ય નાગરિક પાયમાલ થઈ રહ્યો છે. આ આકરા શબ્દોએ વર્ષોથી રાજકીય વગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે.

આમોદ નગર પાલિકાના વોર્ડ નં. ૧ માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નં. ૫ માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નં. ૬ માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાંખિયો બન્યો છે. સાથેજ વિરોધી છાવણીમાં ભારે દોડધામ મચાવી છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતા ગઢમાં હવે આપ ગાબડું પાડી રહી છે. વોટ બેંકમાં થનારું વિભાજન કોને ડૂબાડશે અને કોને તારશે, તે ફડફડાટ બંને જૂના પક્ષોમાં સ્પષ્ટ દેખાય છે. રસ્તા પરના ખાડા, ગટરના ઉભરાતા પાણી અને નળમાં આવતા અનિયમિત પાણી જેવા પ્રશ્નો હવે રાજકીય હથિયાર બન્યા છે. નામાંકન કર્યા બાદ યાસીનભાઈ દિવાને દાવો કર્યો છે કે લોકો હવે પરિવર્તનના મૂડમાં છે. વર્ષોથી માત્ર વાયદાઓ સાંભળીને કંટાળેલી જનતા માટે આમ આદમી પાર્ટી એક શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઉભરી રહી છે. આમોદના ચોરે અને ચૌટે હવે એ જ ચર્ચા છે કે, જેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હતા, તેમને હવે ઘરભેગા કરવાનો સમય પાકી ગયો છે. આમોદની જનતાએ અત્યાર સુધી જે પક્ષોને આંખ મીંચીને ટેકો આપ્યો, બદલામાં તેમને માત્ર પછાતપણું મળ્યું છે. આપના ઉમેદવારોએ આ ચૂંટણીને વિકાસ વિરુદ્ધ વંશવાદ અને કામ વિરુદ્ધ કાવાદાવાની લડાઈ બનાવી દીધી છે.
આમોદ પંથકમાં અત્યારે સૌથી ગરમ ચર્ચા કોંગ્રેસની ખખડધજ હાલત અને તેના આંતરિક વિખવાદની છે. નગરના ખૂણે-ખૂણે એ જ વાત ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ હવે કોઈ સામે લડવા લાયક રહી નથી, કારણ કે તે પોતે જ પોતાના નેતાઓના અહમ અને લડાઈમાં કમજોર પડી ગઈ છે. ઇતિહાસ ગવાહ છે કે ગત ટર્મમાં પણ મેન્ડેટની વહેંચણીમાં થયેલી જૂથબંધીને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. આટલી મોટી હાર પછી પણ કોઈ બોધપાઠ લેવાના બદલે, પાર્ટી હાઈકમાન્ડે સૌથી મોટો અને આઘાતજનક નિર્ણય લીધો છે. જે દિગ્ગજોએ પોતાની નારાજગી અને સ્વાર્થ માટે કોંગ્રેસને ઘર ભેગી કરી હતી, જેમના કારણે પાર્ટી સત્તામાંથી બહાર થઈ હતી, આજે એજ જવાબદારોના હાથમાં આખા સંગઠનની કમાન સોંપવામાં આવી છે! કોંગ્રેસના આ આત્મઘાતી પગલાંથી પંથકના બુદ્ધિજીવી લોકો અને જાગૃત મતદારો પણ અવાક છે. લોકોમાં સ્પષ્ટ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ગત વખત ડૂબાડનાર સુકાનીઓ જ ફરી વહાણ ચલાવશે, તો આ વખતે પણ અંદરોઅંદરની આ લડાઈ પાર્ટીને મોટું, કદાચ છેલ્લું નુકસાન પહોંચાડશે. આમોદમાં હવે કોંગ્રેસ એક હારના ભયથી ધ્રૂજતું સંગઠન બની ગયું છે, જે પોતાના જ કૂવાના બાવળથી ડરી રહ્યું છે. આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પણ ભ્રષ્ટાચાર અને રાજકીય ગોઠવણો સામે જનતાના આક્રોશની કસોટી છે. 2026ની આ લડાઈ આમોદના ભવિષ્યનો નવો નકશો તૈયાર કરશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે આમોદની સમજદાર જનતા વર્ષોની આ સાંઠગાંઠ તોડવામાં સફળ રહે છે કે કેમ.

ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









