આજે મૌની અમાસ નું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ડભોઇ તાલુકાના યાત્રાધામ કરનાળી નર્મદા કિનારે આવેલું છે. ત્યાં આવેલ કુબેરદાદાના મંદિર ખાતે બુધવારી અમાસ હોવાથી જેને લઈને ભક્તોની ભીડ જામી હતી. મંદિરમાં દર્શન કરી આજે બુધવારે અમાસ હોય લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કુબેર દાદાના દર્શન કરીને દૂધ ફૂલ અને નારીયેલ ચડાવીને દર્શન કરવામાં આવ્યા હતા. સાથો સાથ આજે મૌની અમાસ હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધુ છે.

આજે પોષ વદ અમાસ કે જેને મૌની અમાસ કહેવાય છે. જેનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આજે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ થઈ રહ્યું છે. આજના દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પણ પરંપરા છે. આજે ગાય, કૂતરા અને કાગડાને ભોજન કરાવવું શુભ ગણાય છે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલ અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર નો મહિમા રહેલો છે. કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય છે. કુબેર ભંડારી મંદિરે પાંચ અથવા અગિયાર અમાસ ભરવાના મહિમા ને અનુલક્ષી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા રહ્યા છે. બુધવારે અમાસ ની તિથી હોવાથી ગત મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા. શ્રદ્ધાળુઓએ નર્મદાનદીમાં પાવન ડુબકી લગાવી હતી. મંદિરમાં ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવભક્તો શિસ્તબધ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદા ના દર્શનનો અમૂલ્ય લાહવો લીધો હતો.

પોષ વદ અમાસે કુબેર ભંડારી દાદા ના દર્શન કરવા માટે લાગેલી શ્રદ્ધાળુઓની કતારો તસવીરમાં નજરે પડે છે. બીજી તસવીરમાં કરનાળી મંદિરમાં કુબેર દાદાના દર્શન થાય છે.
તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ









