ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ નવા-માંડવા ખાતે કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળામાં નૂતન નિર્માણ પામેલ યજ્ઞશાળા નું ગણેશ યાગના ધાર્મિક આયોજન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદ ખાતે છેલ્લા ૧૧૮ વર્ષથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે. જે આખાય ગુજરાતની એકમાત્ર કાણ્વ શાખીય સંસ્કૃત પાઠશાળા છે.
આ પાઠશાળામાં વિશેષ મહત્વ કર્મકાંડ ને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળા ના ગુરુજનો દ્વારા અહીં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતન ના પાઠ ભણાવવામાં આવે છે. આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી, જ્યોતિષી, ભાગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગત અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ ને યજ્ઞ યાગાદી નું પૂરેપૂરું પ્રેક્ટીકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરૂજનો દ્વારા પાઠશાળા સંકુલમાં “મહર્ષિ ક્ણ્વ” નામા ભિધાન સાથે નૂતન યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે. જેના પ્રારંભ અને ઉદ્ઘાટન નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં પાઠશાળા ના પ્રમુખ, હોદ્દેદારો, પ્રાચ્ય વિદ્યાર્થીઓ, દાતાઓ સહિત નગરના અગ્રણીઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ યાગમાં ૧૦૦૦ લાડુ ની આહુતિ આપી ગણેશજીને સર્વમંગલ કામના કરાઈ હતી.

નવા માંડવાની જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળામાં નવી યજ્ઞશાળામાં ગણેશ યાગ કરવામાં આવ્યો હતો. જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ









