આગામી તા.૨૩ માર્ચના રોજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ભરૂચના નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉકત બેઠકમાં નિવાસી અધિક કલેકટરે કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીઓ ને સૂચનો આપ્યા હતા.

નિવાસી અધિક કલેકટરે સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા,વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા,આરોગ્ય વિષયક સેવાઓ તથા જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લાયઝનીંગ અધિકારીઓ ને જણાવ્યું હતું.શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઇ પરમારે બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાપન ની માહિતી આપી હતી. ભરૂચ ખાતે ૧૮ સ્થળો પર ૧૭૩ બ્લોકમાં ૩૪૦૫ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ૧૬૧૧ – ગુજરાતી માધ્યમ, ૧૭૬૨- અંગ્રેજી માધ્યમ, ૩૨-હિન્દી માધ્યમવાળા વિધાર્થીઓનો સમાવેશ થાય છે. ૨૩ માર્ચ ના રોજ પરીક્ષાનો સમય સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધીનો રહેશે. જેમાં સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧ થી ૨ દરમિયાન જીવ વિજ્ઞાન અને ૩ થી ૪ વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવાશે.તામામ સ્થળોએ ૧૮ સ્થળ સંચાલક, ૩૬- મદદનીશ સ્થળ સંચાલક, ૧૭૩- ખંડ નિરીક્ષક, ૧૮- રીલીવર અને ૩૬ સેવકો પોતાની ફરજ બજાવશે.આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આયોજન અધિકારી એ.બી.ગોહિલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
–સૈયદ અમજદ(બાપુ)









