ડભોઇ હીરાભાગોળા બહાર લીકેજ ડ્રેનેજ લાઈનના ગંદા પાણી
ડભોઇ નગર હિરાભાગોળ બહાર વરસાદી કાંસ પાસે ડ્રેનેજ લાઇન ઊભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ડભોઇ હિરાભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઈન છેલ્લા કેટલાક દિવસથી લીકેજ હોવાને કારણે વરસાદી કાંસ ડ્રેનેજનાં પાણીથી છલોછલ ભરાઈ જતા ગટરના પાણીની દુગંધથી આ વિસ્તારની પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે. અને મચ્છર જન્ય રોગચાળાનો ભય લોકોમાં ફેલાયો છે. સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોકમાગ ઉઠી છે.હીરાભાગોળ બહાર વર્ષો પૂર્વે બનાવવામાં આવેલી વરસાદી કાંસ પસાર થાય છે. જેની બાજુમાંથી જૂનીનગર પાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પંપિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઈન પણ પસાર થાય છે.

આ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ સર્જાતાં ડ્રેનેજનાં પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે. સમગ્ર ગામની ગટરનું પાણી અહીંયા ઠલવાય છે. જેના કારણે આ વરસાદી કાંસ ક્યાંક ઓવરફ્લો થતી જોવા મળે છે. આ પાણી એટલી હદ સુધી દુર્ગંધ મારે છે કે એ વિસ્તારના રહીશોને ત્યાં રહેવું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડી રહ્યું છે. એટલું જ નહીં !! આ દુર્ગંધ મારતા આ ગટરના પાણીને લઈ મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. તો ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગશે ? કે પછી કોઈ કોલેરાનો કેસ થશે ત્યારે જાગશે ? ડભોઇ નગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









