ત્રણ દિવસ પહેલા, ભારે પવન અને વરસાદથી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં સામાન્ય જનજીવન પર ભારે અસર પડી હતી. ભારે પવનને કારણે વીજળી વેરણ છેરણ થવા પામી હતી. આશરે ૧૧ KV ફીડરમાંથી ૨૪૬ ફીડર ઠપ્પ થઈ ગયા હતા. જેના કારણે વીજળી ખોરવાઈ ગઈ હતી. વીજળી વિભાગે તાત્કાલિક પડી ગયેલા વીજ થાંભલાઓનું સમારકામ કરવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ટીમો તૈનાત કરી હતી. આ ટીમોએ સમગ્ર જિલ્લામાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે દિવસ-રાત કામ કર્યું હતું.

ભરૂચ શહેરમાં ૧૧ KV ના લગભગ ૨૫ ફીડર ઝડપથી સુધારવામાં આવ્યા હતા. વિભાગીય અને કોન્ટ્રાક્ટર ટીમોએ વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું અને બીજા દિવસે સાંજે સંપૂર્ણ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. DGVCL એ તાત્કાલિક દેખરેખ અને સંકલન માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરી પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી હતી. DGVCI એ ૫ મે, ના રોજ સાંજે તોફાની પવન અને ભારે વરસાદથી પ્રભાવિત વીજળી પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી હતી.ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ.આર.મોદીએ જણાવ્યું કે, ૫ મેના રોજ સાંજે ભરૂચ તથા નર્મદા જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ પડયો હતો, જેના કારણે શહેર તથા ગ્રામ્યના ઘણા ભાગોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા હતા અને વીજ લાઈનોને ભારે નુકસાન થયું હતું. લગભગ ૨૪૬ ફીડર પ્રભાવિત થયા હતા. લગભગ ૫૦ થી વધુ વિભાગીય ટીમો અને ૩૦ થી વધુ કોન્ટ્રાક્ટ ટીમો સુધારણા અને લાઇન ઉત્થાનના કાર્ય માટે રોકાયેલી હતી.વધુમાં તેઓ એ જણાવ્યું કે, ટ્રાન્સફોર્મર સુધારણા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.એક ભૂગર્ભ ફોલ્ટ ડિટેક્શન ટીમ પણ વીજ પુરવઠો ઝડપી પુનઃસ્થાપિત કરવા માટે રોકાયેલી હતી. તાત્કાલિક દેખરેખ અને સંકલન કાર્ય માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરી બીજા દિવસે સાંજ સુધીમાં બંને જિલ્લાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાને કારણે સૌથી વધુ નુકસાન થયું હતું. આ ઘટનામાં લગભગ ૩૦૫ એચ ટી તથા ૨૦૬ એલ. ટી થાંભલા અને છ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન અને લેડર વાનનો ઉપયોગ કર્યો હતો, ૧૨૦૦ થી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી ૮૦૦ ફરિયાદોનો ટૂંકા સમયમાં નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની ૪૦૦ ફરિયાદો પછીથી ઉકેલાઈ ગઈ હતી.
સદ્દામ બી ભટ્ટી









