ભરૂચ જિલ્લામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૪ મેના રોજ NEET-૨૦૨૫ની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી ઉકત પરીક્ષાના અગોતરા આયોજન માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેમ કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરૂ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ કલેકટરે સંબંધિત અધિકારીઓ ને આપી હતી.

ભરૂચ શહેરમાં જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમ. કે. કોલેજ ઓફ કોમર્સ, કેવી ઓએનજીસી તેમજ જીએનએફસ નર્મદા વિદ્યાલયમાં પરીક્ષા લેવામાં આવશે.વિદ્યાર્થીઓને સવારના ૧૧.૦૦ થી બપોરના ૧.૩૦ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર હાજર થવા તેમજ ૧.૩૦ વાગ્યા બાદ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહિં આવે જેની તકેદારી રાખવા અનુરોધ કરાયો હતો.આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સદ્દામ બી. ભટ્ટી ભરૂચ









