વાગરા તાલુકાના દેહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

વાગરાના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના ગામના લોકોમાં પણ અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. દહેજના સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આગની જવાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.

આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લગભગ પાંચથી સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ 16 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. કંપનીના એમ.પી.પી.-3 પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં કંપનીનઓ વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ શરૂ કરી હતી.

બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકશાન પહોંચ્યું હતું.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









