ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત બિરલા કોપર ટાઉનશિપ ખાતે હવાઇ હુમલો થયો હતો. જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ કંપની અને અન્ય આજુબાજુના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.

હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગણતરીની મીનીટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી.ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ૧૨ જેટલા લોકો ઘવાયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ૭૯૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.મોકડ્રિલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર નિકુંજ પટેલ, વાગરાના મામલતદાર, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી. એલ. ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી, દહેજના આપતી વ્યવસ્થાપન કો ઓર્ડીનેટર હિતેશ શાહ, બિરલા કોપર ટાઉનશિપના પ્રેસિડેન્ટ કુમારવેલ, સિક્યુરિટી અધિકારી કર્નલ જેપીએસ ખૈરા તેમજ લાયઝન ઓફિસર અનુપમ સિંહ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્લેકઆઉટમાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકો સ્થંભૂ જોડાયા
આતંકવાદ વિરોધી લડાઈને ભરૂચ ની જનશક્તિનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે. ઓપરેશન અભ્યાસ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલની બ્લેકઆઉટમાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકો સ્થંભૂ જોડાયા હતા.યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કટોકટીની તૈયારી ચકાસવા માટે નાગરિક સંરક્ષણ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લેકઆઉટ મોક ડ્રીલને કારણે ભરૂચ શહેર સાથે જિલ્લામાં ત્રીસ મિનિટ સુધી અંધારપટ છવાયું હતું.

ભરૂચના લગભગ તમામ વિસ્તારોમાં મોકડ્રીલ જોવા મળી અને નાગરિક સંરક્ષણ અને અધિકારીઓની અપીલને સમર્થન આપવા માટે તેમની લાઇટો બંધ કરી દીધી હતી.દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે ભરૂચ જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો. બ્લેકઆઉટ પહેલા ભરૂચ જિલ્લાના ફાયર વિભાગ, નગરપાલિકા સહિત ગ્રામ લેવલે તલાટી સહિત વિવિધ વિભાગોએ વિવિધ વિસ્તારમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી. તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં. સરકારના નિર્દેશ મુજબ, મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન, ક્રેશ બ્લેકઆઉટ પગલાં, હુમલાની સ્થિતિમાં નાગરિકોને પોતાને બચાવવા માટે તાલીમ આપવા અને નાગરિક સંરક્ષણ સ્ટાફ સાથે સંકલનનો સમાવેશ થયો હતો.સાંજે ૭.૩૦ વાગ્યે, સમગ્ર ભરૂચ જિલ્લામાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રહેવાસીઓએ માર્ગદર્શિકાને ટેકો આપતા ત્રીસ મિનિટ માટે પોતાની લાઈટો બંધ કરીને અને પોતાના ઘરોમાં રહીને ટેકો આપ્યો હતો.
સૈયદ અમજદ(બાપુ)









