ભરૂચ જિલ્લામાં ફળ પાકો સહીત વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા કેરી, કેળ, પપૈયા, દાડમ વગેરે જેવા ફળો સાથે હવે ડ્રેગન ફ્રુટનુ પણ વાવેતર કરી બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી રહ્યા છે.

તેના માટે રાજ્ય સરકારની અનેકવિધ સહાય યોજનાઓ ખેડૂતોને પીઠબળ પૂરું પાડી રહી છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને કૃષિ સંબંધિત વિવિધ વિભાગની યોજનાઓના લાભો એક જ પ્લેટફોર્મ પરથી અને સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોની અરજીઓ મંગાવવામાં આવે છે. આઈ-ખેડૂત પોર્ટલ થકી ખેડૂતો ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો મેળવી શકે છે.ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ૩૧,૭૮૪ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી કરી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૫૦૮ અરજી, મળી જેમાંથી ૩૫૩૨ ખેડૂતોએ લાભ મેળવ્યો, તે જ પ્રમાણે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૫૫૨ અરજી જેમાંથી ૪૯૭૦ ખેડૂતો અને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૧,૭૨૪ અરજીઓ જેમાંથી ૪૮૪૮ જેટલા ખેડૂતોઓ આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી બાગાયત ખાતાની વિવિધ ૪૭ જેટલી યોજનાઓની સહાય મેળવી છે.છેલ્લાં ત્રણ વર્ષમાં જિલ્લાના ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં રૂા. ૨૮.૩૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જ્યાં વર્ષ ૨૦૨૨-૨૩માં રૂા. ૬.૧૨ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂા. ૧૧.૨૯ કરોડ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા. ૧૦.૯૩ કરોડની સહાય ચુકવવામાં આવી છે.આ અંગે ભરૂચના નાયબ બાગાયત નિયામક હીરેન પટેલે જણાવ્યું હતું કે બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતોનું મિત્ર બન્યું છે. જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં યોજનાઓના લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે.

વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે
ઝઘડીયા તાલુકાના ઈન્દોર ગામના પ્રાકૃતિક બાગાયતદાર ખેડૂત અમિત સુરેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, પ્રથમ વખત વર્ષ ૨૦૨૧-૨૨માં પોતાના ફાર્મમાં ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યું હતું. બાદમાં કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ અંર્તગત આઈ ખેડૂત પોર્ટલ પર એકદમ સરળતાથી અરજી થઈ ગઈ હતી,

અરજી મંજૂર થતાં નાણાકીય સહાયનો લાભ પણ મળ્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટની ખેતીમાં સફળતા મળ્યા બાદ હાલ કુલ ૧૧.૦૦ એકર વિસ્તારમાં કમલમ (ડ્રેગન ફ્રુટ)નું વાવેતર કર્યું છે. જેની સાથે આંતરપાક તરીકે સરગવા, રીંગણ, ટામેટી જેવા વિવિધશાકભાજી પાકોનુ વાવેતર પણ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છીએ.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧ મે સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો નિયત સમય મર્યાદા સુધી બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે પોર્ટલ પર અરજી કરી શકે છે. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે.
સૈયદ અમજદ(બાપુ)









