મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા ભરૂચ-દહેજ માર્ગ પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી.

એલિવેટેડ કોરીડોરથી કોમર્શિયલ ટ્રાફિક શહેરી વિસ્તારથી અલગ થતાં દહેજ જતા વાહનો ની ઝડપ વધશે અને ઇંધણ ની પણ બચત થશે.ચાર જંક્શન પર ટ્રાફિક ભારણ ને લીધે થતો સમયનો વ્યય પણ અટકાવી શકાશે.એકસેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે નો લાભ ૧૫ ગામો અને દહેજ વિસ્તારના અંદાજે ૧૫ લાખ લોકો ને મળશે નો અંદાઝ વ્યક્ત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણા અને વિઝનથી ગુજરાત માં નિર્માણ થયેલા દહેજ PCPIRને આગામી દિવસો માં વધુ સંગીન અને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળતાં વાહન યાતાયાત સાથે રોકાણકારો માટે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભરૂચની મુલાકાત દરમ્યાન આ હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ-દહેજ રોડ પર હાથ ધરાઈ રહેલા અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંકશન સુધીનો ૩.૪૦ કિ.મી. લાંબો છ લેન એલિવેટેડ કોરિડોર અંદાજે રૂ. ૪૪૦ કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે. આ જ માર્ગ પર મનુબર જંકશન થી દહેજ સુધી ૩૮.૫૦ કિ.મી.નો એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે અંદાજે રૂ. ૯૭૨ કરોડના ખર્ચે નિર્માણાધિન છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્રતયા ૪૧.૯૦ કિલોમીટરમાં રૂ.૧૪૧૨ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઈ રહેલા કામોની સમીક્ષા કરીને પ્રગતિની વિગતો મેળવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, દહેજ PCPIR દેશના ચાર PCPIR પૈકીનો એક છે અને ૪૫૩ ચો. કિલોમીટરમાં પથરાયેલા આ ઔદ્યોગિક ઝોનમાં કાર્યરત ઉદ્યોગોમાં અવર-જવર કરનારા સ્થાનિકો, અગ્રણી રોકાણકારો, આસપાસના ગ્રામજનોને ભરૂચ સાથે જોડતો દહેજ-ભરૂચ માર્ગ યાતાયાત માટેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે.એટલું જ નહીં, દહેજ PCPIR ઔદ્યોગિક વિસ્તાર તથા દહેજ પોર્ટને અમદાવાદ-મુંબઈ મુખ્ય માર્ગ સાથે જોડતો આ માર્ગ ભારે માત્રામાં વાહનોની અવર-જવરનો ટ્રાફિક પણ ધરાવે છે.વાહન ચાલકો તથા ભરૂચ-દહેજ વચ્ચે અવર-જવર કરતા ઉદ્યોગ-રોકાણકારો, કામદારો નો સમય આ ભરૂચ-દહેજ માર્ગ પરના ૪ જંકશન પર ટ્રાફિક ભારણને કારણે વ્યય થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે આ સમસ્યાના કાયમી નિવારણ માટે ભરૂચ- દહેજ માર્ગ પર ભોલાવ જંકશન થી શ્રવણ જંકશન સુધીના રોડને ૬ લેન એલીવેટેડ કોરિડોર તરીકે વિકસાવાની કામગીરી વેગવંતી બનાવી છે.

આ ઉપરાંત ભરૂચ-દહેજ રોડ પરના મનુબર જંકશનથી દહેજ સુધી ૩૮.૫૦ કિ.મી.ના એકસેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેની કામગીરી પણ પ્રગતિમાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સલાહકાર એસ. એસ. રાઠીર અને માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયાને સાથે રાખીને આ કામોની સમીક્ષા માટે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ ઈજનેરો સાથે બેઠક યોજી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બે પ્રોજેક્ટસની વિસ્તૃત વિગતો આપતા સચિવ પટેલિયાએ જણાવ્યું કે, નિર્માણાધિન એલીવેટેડ કોરીડોર ૨૯ મીટર પહોળાઈ સાથે ૩.૪ કિલોમીટર લંબાઈનો છે. આ રસ્તાની બે તરફ ઓછામાં ઓછા ૭ મીટર પહોળાઈના સર્વિસ રોડ પણ છે.મુખ્યમંત્રી સમક્ષ આ અંગે જે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે, એલીવેટેડ કોરિડોરના બાંધકામથી ભરૂચથી દહેજ જતાં અંદાજે ૬૦ હજાર વાહન ટ્રાફિકમાંથી કોમર્શિયલ ટ્રાફિક શહેરી વિસ્તારથી અલગ થશે અને ભરૂચથી દહેજ જતાં વાહનો ઝડપથી પહોંચી શકશે તેમજ ઈંધણની પણ બચત થશે.આ કોરીડોરની ૫૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકી રહેતું કામ આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાના સંપૂર્ણ આયોજન સાથે કામગીરી થઈ રહી છે.ભરૂચ-દહેજ રોડ પરના મનુબર જંકશનથી દહેજ સુધી એક્સેસ કન્ટ્રોલ્ડ એક્સપ્રેસ વેની સમગ્ર કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. તેની પણ વિગતો મુખ્યમંત્રી સમક્ષ આપવામાં આવી હતી.૩૮.૫૦ કિલોમીટર લાંબા આ ૪ લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેમાં ૭ ફફ્લાવર અને ૧૫ અંડર પાસનો સમાવેશ થાય છે આ રસ્તાથી ભરૂચ તથા દહેજના ૧૫ જેટલા ગામો અને દહેજ ઉદ્યોગ વિસ્તારના અંદાજે ૧૬ લાખ જેટલા લોકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટ મળતું થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર કામગીરીમાં ગુણવત્તા અને સમયબદ્ધતા જળવાઈ રહે તે માટેના દિશા નિર્દેશો સમીક્ષા દરમ્યાન આપ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ પૂરક માહિતી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદ અમજદ (બાપુ)









