ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી એ જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના ૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક, લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે. દેશમાં ૪૦ લાખ કર્મચારીઓ અને ૮૦ લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેમાં ૩૦ કરોડ લોકો, એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ, આ ચળવળનો ભાગ છે. જોકે, સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો, જે આ યુનિવર્સિટી દૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, પરંતુ ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે તેમ કહેતા શાહે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે. આવું થવાથી સહકારી સંસ્થામાં ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે અને પારદર્શિતા વધશે. આ યુનિવર્સિટી ટેકનિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે. ત્રિભુવનદાસ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી. જે આજે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી રૂ. ૮૦ હજાર કરોડનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન ડેરી દ્વારા થતાં અન્યાય સામેની લડત હતી. આ યુનિવર્સિટી સહકારી પ્રવૃત્તિને ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બનાવશે. તે નવીનતા, સંશોધન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપશે, અને બે લાખ નવી સહકારી મંડળો બનાવવા સહિતની યોજનાઓને જમીન પર ઉતારશે. તેમણે દેશભરના સહકારી નિષ્ણાતોને આ યુનિવર્સિટી સાથે જોડાઈને યોગદાન આપવા આહવાન કર્યું હતું અને વડાપ્રધાન ના નેતૃત્વમાં આ સર્વસમાવેશ પગલાં માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.ત્રિભુવનદાસ પટેલ જ્યારે અમૂલમાંથી નિવૃત્ત થયા ત્યારે ૬ લાખ મહિલાઓએ એક-એક રૂપિયો એકત્ર કરી રૂ. ૬ લાખની ભેટ આપી, તે ભેટને પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયનને તેમણે જ વિદેશમાં વધુ અભ્યાસ માટે મોકલ્યા હતા. ડો. કુરિયનનું પણ યોગદાન મહત્વનું છે. આ પ્રસંગે અમિત શાહ,ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એનસીઇઆરટીના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ મોડ્યુઅલની જેમ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા શાહે પ્રેરક સૂચન કર્યું હતું.

દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સહકાર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે ::: ભુપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી, ગુજરાત)
આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજ ના આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના પાવન અવસરે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના નિર્માણ માટેના ખાતમુહૂર્તનો ઐતિહાસિક પ્રસંગ આણંદની ધરતી પર ઉજવાયો છે.જે ભારતના સહકારી ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ રૂપ છે. આ યુનિવર્સિટી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સહકાર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે.

આ ઉત્કૃષ્ટ પહેલથી સહકારી ક્ષેત્રને શૈક્ષણિક, સંશોધન અને નીતિ નિર્માણના સ્તરે મજબૂત પાયાઓ મળશે, જે નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે.આ યુનિવર્સિટીનો આરંભ એ સહકાર ક્ષેત્રના પ્રેરણાસ્ત્રોત ત્રિભુવનદાસ પટેલને શ્રદ્ધાંજલિ સમાન છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલએ ૧૯૪૬ માં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને સંગઠિત કરીને સહકારી ચળવળની નવી દિશા આપી હતી. તેમના દ્રષ્ટિકોણમાંથી ઉદભવેલી આ ચળવળ આજે વૈશ્વિક ઉપક્રમ તરીકે વિકસતી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ભૂમિપૂજન સાથે દેશના સહકારી ઈતિહાસને જીવંત રાખતી નવી પેઢી તૈયાર થવા જઈ રહી છે. ભવિષ્યમાં અહીંથી તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર થશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.આ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે સહકારી અભ્યાસ, સંશોધન અને નવીનતાઓ માટે કેન્દ્રસ્થાન બનશે. નવી પેઢીને ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ઈકોનોમી અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રે સહકાર માળખાને અનુકૂળ બનાવવા માટેનું કૌશલ્ય પણ અહીં વિકસાવવામાં આવશે. ભારતને વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવાના અભિયાનમાં આ યુનિવર્સિટી ચાલક બળ બનશે, તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત એ માત્ર નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના પાયાનું સ્થાપન જ નથી પરંતુ સમગ્ર દેશના સહકાર પ્રવૃત્તિ ક્ષેત્રને નવી દૃષ્ટિ સાથે નવા સંકલ્પ, નવી દિશા આપવાનું મહત્વનું માધ્યમ બનશે, તેમ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









