યુસીસી અંગે ચર્ચા વિચારણા કરવા અને નાગરિકોના મંતવ્યો જાણવા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનાબેન દેસાઈના નેતૃત્વ હેઠળ સમિતિના પાંચ સભ્યોની જવાબદાર આગેવાનો સાથેની પ્રથમ મીટીંગ તા.૪ માર્ચ ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી.જે મિટિંગ ઉતાવળે અને યુસીસી બાબતોથી અજાણ અને ફકત સરકાર તેમજ તેની વિચારધારા સાથે સંમત લોકોને જ આમંત્રણ આપી એકતરફી રજૂઆત કરવાની તક આપી ચર્ચા વિચારણાનો દેખાડા માત્રનો પ્રયત્ન કરી આશ્ચર્યજનક રીતે યુસીસીના કાનૂની પાસાઓના જાણકાર લોકો તેમજ સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓને પોતાના મંતવ્યો રજૂ કરવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાની બુમો ઉઠી હતી.

ફાઈલ ફોટો

ઉપરોક્ત યુસીસી બાબતે મીટીંગના આયોજનની જાણકારી મળતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા યુસીસી કમિટીના ચેરમેન, સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના બેન દેસાઈ સમક્ષ ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગ બાબતે રૂબરૂમાં પોતાનો વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે યુસીસી બંધારણીય તથા ધાર્મિક મુદ્દો હોઈ તેની વિચારણા માટે ગઠિત સમિતિ દરેક સમાજના હિત ધરાવતા અને તેનાથી પ્રભાવિત થતા લોકોને ન્યાયિક રજુઆત કરવાની અને મંતવ્યો મૂકવાની યોગ્ય તક આપવા મા આવે,વધુમાં સમિતિમાં મુસ્લિમ સમુદાયના વિવિધ પ્રતિષ્ઠિત સંગઠનો, મુસ્લિમ સ્કોલર, ધાર્મિક, સામાજિક, રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત મહિલાઓ તેમજ તમામ મસલક અને બિરાદરીના આગેવાનો ને એક અઠવાડિયા ના સમયની નોટિસ આપી રજૂઆત કરવાની પૂરતી તક આપવા ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી.

યુસીસી કમિટિના અધ્યક્ષ રંજના દેસાઈએ મુસ્લિમ પ્રતિનિધિ મંડળને રજૂઆત માટે બોલાવવાની મૌખિક ખાતરી આપી.
જે સંદર્ભે યુસીસી કમિટિના અધ્યક્ષ રંજના દેસાઈએ પ્રત્યુત્તરમાં આગામી અઠવાડિયે મુસ્લિમ પ્રતિનિધિ મંડળને રજૂઆત માટે બોલાવવાની મૌખિક ખાતરી આપી હતી.યુસીસી કમીટી દ્વારા આગામી અઠવાડિયે સંભવિત આમંત્રણ આપવાની ખાતરી બાબતે કમિટી સમક્ષ રજૂઆત કરવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા તા.૯ માર્ચ રવિવાર ના રોજ સાંજે ૪ કલાકે ગુજરાત ટુડે હોલ, શાહેઆલમ, અમદાવાદ ખાતે વિવિધ એડવોકેટ, ધાર્મિક સંગઠનો, ઉલેમાઓ તથા દરેક મસલક અને ફિરકાના જવાબદારો સાથે ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી યુસીસી કમિટી સમક્ષ પોતાના મંતવ્યો – અભિપ્રાય તથા વાંધા સૂચનો રજૂ કરવા બાબતે રણનિતી ઘડવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે યુસીસી કમિટીએ જાહેર નોટિસ દ્વારા મંગાવેલ મંતવ્યો બાબતે મુસ્લિમ હિત રક્ષક સમિતિ તા.૯ માર્ચના રોજ યોજાનાર મીટીંગમાં સંવૈધાનિક અધિકારોની રક્ષા માટે ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી ગુજરાતની મુસ્લિમ સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો ને રજૂઆત કરવા અંગે જાહેર માર્ગદર્શન તથા ડ્રાફટની જાણકારી જાહેર માધ્યમો દ્વારા આપવામાં આવશે તેમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા જણાવાયું છે.
એહવાલ:- સૈયદ અમજદ (બાપુ)









