ભરૂચની GNFC નો સુવર્ણ જયંતિ મહોત્સવ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી નર્મદા નગર ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, GNFCની પાંચ દાયકાની સફળતા ગુજરાતના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત માટેના યોગદાનની અનન્ય ગાથા છે. વિકસિત-આત્મનિર્ભર ભારત ૨૦૪૭ના સંકલ્પમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GNFCએ તૈયાર કરેલા પોતાના રોડમેપને વર્તમાન ૭ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને ૧૦ ગણા વધારીને ૨૦૪૭ સુધીમાં ૭૦ હજાર કરોડના પ્રોજેક્ટ્સ સુધી લઈ જઈને સાકાર કરવાનું GNFC પરિવારને આહવાન કર્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડમેપ ૬ રિજીયનમાં સર્વગ્રાહી વિકાસ માટેના લોંગ ટર્મ વિઝન સાથે તૈયાર કર્યો છે.મુખ્યમંત્રીએ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ખાતરો પૂરા પાડીને કૃષિ ઉત્પાદકતા વધારવા સાથે કેમિકલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા પર્યાવરણ જાળવણી સાથે આર્થિક-સામાજિક વિકાસની નેમ સાકાર કરવાના હેતુથી GNFCની થયેલી સ્થાપનાની સરાહના કરી હતી.તેમણે GNFC એ નીમ પ્રોજેક્ટ હેઠળ લીંબોડીના તેલનો યુરિયાના નીમકોટિંગ તરીકે ઉપયોગ તથા લીમડાના તેલમાંથી બનાવેલા ઓર્ગેનિક ઉત્પાદનોની પહેલને પણ બિરદાવી હતી. આ નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોડી ભેગી કરવાના કામોમાં ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગૃપને જોડીને અંદાજે ૪.૫૦ લાખથી વધુ બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ભગીરથ કામ માટે અને ભરૂચ જિલ્લાના ૫૦ ગામોના સર્વાગી વિકાસ માટે ૫૦ વિકસિત ગામો-વિઝન ૨૦૪૭ની મહત્વાકાંક્ષી પહેલ માટે મુખ્યમંત્રીએ GNFC મેનેજમેન્ટને અભિનંદન આપ્યા હતા.CM એ GNFCના સુવર્ણ જયંતી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન અને GNFCની ૫૦ વર્ષની સફળતાની ગાથા આલેખતી કોફિટેબલ બુકનું વિમોચન પણ કર્યુ હતું.

ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ પ્રસંગે GNFCના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ૧૯૯૧માં ગુજરાતમાં સનદી અધિકારી તરીકે તેમની નિમણૂક સમયે ‘ગુજરાત દર્શન ટૂર’ અંતર્ગત તેમને લીધેલી GNFCની મૂલાકાતની યાદો તાજી કરી હતી. તેમણે GNFCની ગૌરવપૂર્ણ સફર વિશે ભારપૂર્વક જણાવ્યું કે, કંપનીએ ભૂતકાળના વિઝન કરતાં આજે ઘણી મોટી પ્રગતિ કરી છે. કંપનીની આ ઐતિહાસિક સફળતા માટે તેમણે ૨,૭૩,૦૦૦ જેટલા શેરહોલ્ડર્સ, તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ તેમજ કંપનીના નવનિર્માણમાં ડિઝાઇન, કોન્ટ્રાક્ટ કે શ્રમ કરનાર તમામ નાના-મોટા શ્રમિકોની મહેનતને બિરદાવી હતી.હાલમાં GNFC ના આશરે સાતેક હજાર કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં કંપની વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવીને Consolidate, Expand, and Diversify (મજબૂતીકરણ, વિસ્તરણ અને વૈવિધ્યકરણ) ના ધ્યેય સાથે આગળ વધશે. સાથે જ જીએનએફસી કંપનીએ અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. ૨૦૦ કરોડનો સીએસઆર ખર્ચ કર્યો છે. જેના પ્રતિક સ્વરૂપે ‘વિકસિત ભારત’ના લક્ષ્ય હેઠળ ભરૂચ જિલ્લાના ૫૦ જેટલા ગામોને દત્તક લઈને વિકસિત ગામો બનાવવા એ કંપનીનો સંકલ્પ છે.

આ તબકકે, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય દેવકિશોરદાસ સ્વામી, અરૂણસિંહ રાણા,રિતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, GNFCના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અજય ખરે અને શેરહોલ્ડર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ અને અન્ય આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

(સૈયદ અમજદ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








