વાગરા થી ભરુચ જવા માટે સાંજના ૬.૪૫ પછી કોઈ બસ ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

વાગરા થી ભરૂચ જવા માટે સાંજના સુમારે બસ ન હોવાથી રોજીંદુ વાગરાથી ભરૂચ અપ-ડાઉન કરતા મુસાફરો, ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે સાંજે ૬.૪૫ વાગ્યા પછી એસ.ટી. બસ ન મળવી એ મુસાફરો માટે ખરેખર ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે.જેના નિવારણ માટે એસટી તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગ મુસાફર જનતા માથી બુલંદ થવા પામી છે.વાગરા તાલુકો ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે આ રૂટ પર સાંજના સમયે મુસાફરોનો ઘસારો ઘણો વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં સાંજના સમયે બસ સેવા ન હોવાથી લોકોને ના છૂટકે ખાનગી વાહનોમાં તગડું ભાડું ચૂકવી જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.મોડી સાંજે બસ ન હોવાને કારણે નોકરી કરતી મહિલાઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થાય છે.વધુમાં કલાકો સુધી વાહનની રાહ જોઈને ઊભા રહેવું પડે છે, જેનાથી કિંમતી સમયનો પણ વેડફાટ થતો હોય છે. જેથી સાંજે ૭.૩૦ થી ૮ વાગ્યાની આસપાસ બસ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી છે.વાગરાના જાગૃત વેપારી ભુપેન્દ્રભાઈ ચીમનલાલ પટેલ દ્વારા આ બાબતે ભરુચ જિલ્લા એસ ટી ડેપો મેનેજર તથા વિભાગીય એસટી નિયામક સમક્ષ માંગ કરવામાં આવી છે કે સાંજે ૬.૪૫ બાદ ૭.૩૦ થી ૮ વાગ્યાના સમયગાળા દરમિયાન ભરુચ જવા માટે છેલ્લી બસ દોડાવવામાં આવે તો મુસાફરો તેમજ નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ અને મહિલાઓ ને રાહત મળી શકે તેમ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








